(એજન્સી) તા.૨૪
ટીકમગઢથી અલગ થયેલા નિવારી જિલ્લામાં એક દલિત મહિલાની પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)ની માગણી મોંઘી પડી. ૭૪ વર્ષીય શાંતિ આહિરવારને તેમના ગામના સરપંચના પતિ રાજકુમાર સાહુએ રસ્તા પર લાત અને મુક્કા માર્યા, જેનાથી તે ઘાયલ થઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી હતી. આ ઘટના નિવારી જિલ્લાના પૃથ્વીપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના માનેથા ગામમાં બની. શાંતિ આહિરવાર સરપંચના પતિ રાજકુમાર સાહુને મળવા ગઈ હતી અને તેમના પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)ના અધિકારો વિશે પૂછપરછ કરી હતી. મહિલાએ ફક્ત એટલું જ પૂછ્યું હતું કે, ‘તમે મારૂં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર કેમ નથી બનાવતા ?’ આટલું સાંભળતા જ રાજકુમાર સાહુ ગુસ્સે ભરાયા. તેઓએ અપશબ્દો બોલ્યા, જાતિવાદી અપશબ્દોથી તેનું અપમાન કર્યું, તેને જમીન પર પછાડી દીધી અને લાતો અને મુક્કા માર્યા, જેનાથી તે ઘાયલ થઈ ગઈ. ઘટનાસ્થળે હાજર ભાણસિંહ બુંદેલા અને પ્રેમચંદ સાહુએ આખી ઘટના જોઈ. રાજકુમાર સાહુએ જતા-જતા તેને ધમકી આપી હતી કે, ‘હું તને આજે તો જવા દઉં છુ, પણ જો તું જાણ કરીશ, તો હું તને મારી નાખીશ.’ ઘટના પછી શાંતિ આહિરવાર ઘરે પરત ફરી અને તેના પતિ ગોરેલાલ અને પુત્ર હરપાલને આ બાબતની જાણ કરી. ગરીબી અને મજૂરીને કારણે, તે તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી શકી ન હતી, પરંતુ બાદમાં ચોમોન પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી હતી. તે જ દિવસે તેણે પૃથ્વીપુરના સબ-ડિવિઝનલ પોલીસ અધિકારીને લેખિત ફરિયાદ પણ આપી હતી. ૧૬ સપ્ટેમ્બરના રોજ પોલીસ અધિક્ષક ડૉ. રાય સિંહ નરવરિયાને પણ લેખિત ફરિયાદ સુપરત કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પરિસ્થિતિ વધુ વણસી હતી. વીડિયો વાયરલ થયા પછી પોલીસ અધિક્ષક ડૉ. રાય સિંહ નરવરિયાએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘દલિત મહિલા પર હુમલો અને જાતિવાદી અપશબ્દોની આ ઘટના અત્યંત ગંભીર છે. આવા ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.’ પોલીસે તાત્કાલિક FIR નોંધી અને આરોપી સરપંચના પતિ રાજકુમાર સાહુની ધરપકડ કરી. SC/ST એક્ટ અને હુમલાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે એક વૃદ્ધ મહિલા રસ્તા પર પડેલી દેખાય છે અને આરોપીઓ તેમની પર હુમલો કરી રહ્યા છે. ભીમ આર્મી અને આઝાદ સમાજ પાર્ટીએ આ ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. બંને સંગઠનોએ ચેતવણી આપી હતી કે જો ૨૬ ઓક્ટોબર સુધીમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ નિવારી પોલીસ મુખ્યાલયનો ઘેરાવ કરશે. પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહીથી હવે સ્થાનિક સમુદાયમાં રાહતની લાગણી ફેલાઈ છે.
નિવારીમાં ૭૪ વર્ષીય દલિત મહિલાને રસ્તા પર માર મારવાનો વીડિયો વાયરલ, સરપંચના પતિની ધરપકડ
Gujarat Today
Leave A Reply