(એજન્સી) તા.૩
લેબેનોનના અધિકારીઓના અહેવાલ મુજબ, સોમવારે બેરુત અને દક્ષિણ લેબેનોનમાં ઇઝરાયેલી હવાઈ હુમલાઓમાં ઓછામાં ઓછા ૫૨ લોકો માર્યા ગયા અને ૧૫૪ અન્ય ઘાયલ થયા. એક નિવેદનમાં, સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ યુનિટે જણાવ્યું હતું કે સોમવાર સવારથી અત્યાર સુધીમાં ઇઝરાયેલી યુદ્ધ વિમાનોએ દેશમાં ૨૨૧ હવાઈ હુમલા કર્યા છે. લેબેનોનના આરોગ્ય મંત્રાલયે અગાઉ મૃત્યુઆંક ૩૧ જણાવ્યો હતો, જેમાં ૧૪૯ અન્ય લોકો ઘાયલ થયા હતા. હિઝબુલ્લાહ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેણે લેબનોન પર ચાલી રહેલા ઇઝરાયેલી હુમલાઓ અને ઇરાન સામે યુએસ-ઇઝરાયેલી લશ્કરી હુમલાના જવાબમાં ઉત્તર ઇઝરાયેલમાં એક લશ્કરી સ્થળને રોકેટ અને ડ્રોનથી નિશાન બનાવ્યું હતું, જેના પછી આ હુમલા કરવામાં આવ્યા હતા. શનિવારથી અમેરિકા અને ઇઝરાયેલે ઇરાન પર મોટાપાયે હુમલો ચાલુ રાખ્યો હતો, જેમાં સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનાઈની અને ટોચના લશ્કરી અધિકારીઓ સહિત અનેક ટોચના ઇરાની નેતાઓ માર્યા ગયા હતા. નવેમ્બર ૨૦૨૪ના અંતમાં હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ અમલમાં આવ્યો ત્યારથી ઇઝરાયેલે લેબેનોનમાં લગભગ દરરોજ ઉલ્લંઘન કર્યું છે જેમાં સેંકડો લોકો માર્યા ગયા છે. ઇઝરાયેલે ઓક્ટોબર ૨૦૨૩માં લેબેનોન સામે આક્રમણ શરૂ કર્યું અને સપ્ટેમ્બર ૨૦૨૪માં તેને પૂર્ણ-સ્તરના યુદ્ધમાં ફેરવી દીધું, જેમાં ૪,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા અને લગભગ ૧૭,૦૦૦ ઘાયલ થયા.
લેબેનોનમાં ઇઝરાયેલી હુમલામાં મૃત્યુઆંક વધીને બાવન થયો
Gujarat Today
Leave A Reply