મેરઠમાં ઉચ્ચ જાતિના લોકોના જૂથ દ્વારા કથિત રીતે નિર્દયતાથી હત્યા કરાયેલી દલિત મહિલાના પરિવારે ઉત્તરપ્રદેશ પોલીસ અને ભાજપ પર મુખ્ય આરોપીઓને બચાવવા અને તેમને બહારની દુનિયાથી દૂર રાખવાનો આરોપ લગાવ્યો છે
(એજન્સી) તા.૨૦
પોતાના ગામની બહાર પત્રકારો સાથે વાત કરતા, અપહરણ કરાયેલ મહિલાના મોટા ભાઈએ કહ્યું કે પોલીસ જાણી જોઈને આ કેસના મુખ્ય આરોપી પારસ સોમનું રક્ષણ કરી રહી છે. તેમણે કહ્યું કે, “ઉત્તરપ્રદેશમાં ગુનેગારોને એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવે છે, પરંતુ પારસ સોમને સ્પર્શ પણ કરવામાં આવ્યો ન હતો. ગામમાં દરેક વ્યક્તિ જાણે છે કે તેણે મારી માતાની હત્યા કરી અને મારી બહેનનું અપહરણ કર્યું. તેને જેલમાં ધકેલી દેવો એ માત્ર આંખમાં ધૂળ નાખવાનું કામ છે”. તેમણે આરોપ લગાવ્યો કે આરોપીને કડક સજાથી બચાવવા માટે કાવતરૂં ચાલી રહ્યું છે. ભાઈએ કહ્યું કે, “કોર્ટમાં લઈ જતી વખતે, તેને મીડિયા સાથે વાત કરવા અને દાવો કરવા દેવામાં આવ્યો કે તે સગીર છે. આ તેને બચાવવાનો એક આયોજિત પ્રયાસ છે, ભલે આખું ગામ જાણે છે કે તે લગભગ ૨૫ વર્ષનો છે,”.પરિવારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેમના ઘરની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત સુરક્ષા માટે નહીં પરંતુ તેમને અલગ કરવા માટે હતો. તેમણે કહ્યું કે, ‘અમારા ઘરની બહાર અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે. ગામમાં પ્રવેશવાના બધા રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે અને અમારા ઘરની આસપાસ છ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પહેલા અમને લાગ્યું કે તે અમારી સલામતી માટે છે, પરંતુ હવે એવું લાગે છે કે તેઓ અમને કોઈની સાથે વાત કરતા અટકાવવા માંગે છે’.
પરિવારના જણાવ્યા મુજબ, આ ઘટના ૮ જાન્યુઆરીની સવારે બની હતી જ્યારે પારસ સોમ અને તેના સાથીઓએ મહિલા પર કુહાડીથી હુમલો કર્યો હતો જ્યારે તે તેની પુત્રી સાથે ખેતરમાં જઈ રહી હતી. મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને તેની પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું હતું.અપહરણ કરાયેલી મહિલાના બીજા ભાઈએ જણાવ્યું હતું કે પ્રત્યક્ષદર્શીઓએ ગુનામાં ચાર લોકોના નામ આપ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, ‘પારસ સોમ, તેનો મિત્ર સુનીલ સોમ અને બે અન્ય લોકો સામેલ હતા. પોલીસે પારસ અને સુનીલની ધરપકડ કરી હતી પરંતુ અન્ય બે આરોપીઓને પકડવા માટે કંઈ કર્યું નથી. હવે પારસ રાજકારણીઓની સલાહ પર ઉંમર કાર્ડ રમી રહ્યો છે,’.પોલીસે ૧૦ જાન્યુઆરીની રાત્રે હરિદ્વારથી પારસ સોમની ધરપકડ કરી અને મહિલાને બચાવી લીધી. મેજિસ્ટ્રેટ સમક્ષ તેનું નિવેદન નોંધાયા બાદ, તેને ઘરે પરત મોકલી દેવામાં આવી.કોર્ટમાં રજૂ કરવામાં આવતા, પારસ સોમે પત્રકારોને કહ્યું, ‘હું સગીર છું અને મારી પાસે તે સાબિત કરવા માટે દસ્તાવેજો છે. મારાઆધાર કાર્ડ અને શાળા પ્રમાણપત્ર આ બતાવશે.’મેરઠ જેલના અધિક્ષક વિરેશ રાજ શર્માએ કહ્યું કે આરોપીએ સગીર હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ‘તેણે કહ્યું છે કે તેને બાળ રિમાન્ડ હોમમાં મોકલવો જોઈએ. અમે તેને કોર્ટ સમક્ષ આ દાવાઓ રજૂ કરવા કહ્યું છે,’.સર્કલ ઓફિસર આશુતોષ કુમારે કહ્યું કે સુરક્ષા દળો ફક્ત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ‘મુખ્ય આરોપીએ અત્યાર સુધી સગીર હોવાનો કોઈ પુરાવો રજૂ કર્યો નથી’.આ કેસથી રાજ્યભરમાં રાજકીય પ્રતિક્રિયાઓ શરૂ થઈ છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે તેમનો પક્ષ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યો છે. તેમણે કહ્યું કે, ‘અમે દરેક પગલે પીડિત પરિવાર સાથે છીએ,’. યાદવે અગાઉ પરિવારને ત્રણ લાખ રૂપિયા નાણાકીય સહાય તરીકે મોકલ્યા હતા.આ હત્યાના વિરોધમાં દલિત જૂથો અને વિપક્ષી પક્ષો દ્વારા વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા, જેમાં તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને તેમની મિલકતો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ આ ઘટનાને ‘અત્યંત હૃદયદ્રાવક અને શરમજનક’ ગણાવી હતી અને સરકારને મહિલાઓ વિરૂદ્ધના ગુનાઓને ગંભીરતાથી લેવા વિનંતી કરી હતી. ભાજપના નેતાઓને પ્રવેશની મંજૂરી હોવા છતાં, ઘણા રાજકીય પ્રતિનિધિમંડળોને પીડિતાના ગામની મુલાકાત લેતા અટકાવવામાં આવ્યા બાદ આ ઘટનાને કારણે વિપક્ષી નેતાઓ અને વહીવટીતંત્ર વચ્ચે ઘર્ષણ પણ થયું છે.
Gujarat Today
Leave A Reply