૨૬ જૂનના રોજ, ગંજમ જિલ્લામાં ગેરકાયદેસર પશુ તસ્કરીની શંકામાં અન્ય સમુદાયના કેટલાક લોકોએ બે SC વ્યક્તિઓને માર માર્યો, ઘાસ ખાવા અને ગટરનું પાણી પીવા માટે મજબૂર કર્યા હતા
(એજન્સી)
ભુવનેશ્વર, તા.૫
NHRCએ રાજ્ય સરકારને ગંજમ જિલ્લામાં ગેરકાયદેસર પશુ તસ્કરીની શંકામાં બે દલિત વ્યક્તિઓ પર થયેલા ક્રૂર અત્યાચારના સંદર્ભમાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. મીડિયા રિપોર્ટની સ્વત : નોંધ લેતા, સર્વોચ્ચ માનવ અધિકાર પંચે મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને નોટિસ જારી કરીને બે અઠવાડિયામાં આ મામલે લેવાયેલી કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ૨૬ જૂનના રોજ, ગંજમ જિલ્લામાં ગેરકાયદેસર પશુ તસ્કરીની શંકામાં અન્ય સમુદાયના કેટલાક લોકોએ બે SC વ્યક્તિઓને માર માર્યો, ઘાસ ખાવા અને ગટરનું પાણી પીવા માટે મજબૂર કર્યા. તેમના મોબાઇલ ફોન છીનવી લેવામાં આવ્યા અને બળજબરીથી તેમના માથા મુંડન કરવામાં આવ્યા હતા. પંચે અવલોકન કર્યું કે સમાચાર અહેવાલની સામગ્રી, જો સાચી હોય, તો તે માનવ અધિકારોના ઉલ્લંઘનના ગંભીર મુદ્દાઓ ઊભા કરે છે. આદેશમાં જણાવાયું છે કે, ‘આ અહેવાલમાં ગુનેગારો સામે લેવામાં આવેલી કાર્યવાહી અને પીડિતોને આપવામાં આવેલ વળતર, જો કોઈ હોય તો, તેનો સમાવેશ થવાની અપેક્ષા છે,’. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાષ્ટ્રવ્યાપી આક્રોશ ફેલાયો હતો. પોલીસે અત્યાર સુધીમાં નવ લોકોની ધરપકડ કરી છે.
Leave A Reply