૪૫ વર્ષીય પીડિતની ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે માલવાણીના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં ૨૮ જૂનના રોજ તેને મૌખિક અપશબ્દોનો સામનો કરવો પડ્યો હતો
(એજન્સી) તા.૪
મુંબઈના મલાડ પશ્ચિમમાં એક મંદિરની બહાર એક દલિત વ્યક્તિ માટે જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ ઉચ્ચ જાતિના પરિવારના ત્રણ સભ્યો પર ગુનો નોંધવામાં આવ્યો છે. ૪૫ વર્ષીય પીડિતની ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે માલવાણીના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં ૨૮ જૂનના રોજ તેને મૌખિક અપશબ્દોનો સામનો કરવો પડ્યો હતો. આ પીડિત અને મંદિર ટ્રસ્ટના વડા મિથિલેશ સિંહ મંદિર પરિસરની નજીકનો પાર્કિંગનું બોર્ડ લગાવી રહ્યા હતા, ત્યારે સ્થાનિક રહેવાસી સોનુઉપાધ્યાયે ફરિયાદીને અપશબ્દો કહ્યા હતા.
સિંહે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો કે, આરોપી ઉપાધ્યાય પરિવાર લાંબા સમયથી તેની સાથે દુર્વ્યવહાર કરી રહ્યો છે. જ્યારે અમે મંદિરની બહાર નો-પાર્કિંગ બોર્ડ લગાવી રહ્યા હતા ત્યારે સોનુ ઉપાધ્યાય અને તેના માતા-પિતા ફરિયાદી સાથે દુર્વ્યવહાર કરી રહ્યા હતા. સોનુના માતા-પિતા, ઓમકારનાથ અને પાર્વતી ઉપાધ્યાયે પણ અપશબ્દો કહ્યા હતા અને ફરિયાદીની જાતિ પૃષ્ઠભૂમિના આધારે મંદિરમાં હાજરી પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. આવું જાતિવાદી અને ભેદભાવપૂર્ણ કૃત્ય શરમજનક છે. આપણે ૨૧મી સદીમાં છીએ. ફરિયાદીએ દાવો કર્યો હતો કે તેમનો ગુસ્સો મંદિરના ઉદ્ઘાટન દિવસની પૂજા અંગે છે, જે દલિત પરિવાર દ્વારા કરવામાં આવી હતી. ચાર વર્ષ પહેલાં, જ્યારે મંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે બધા સમુદાયો અને ધર્મોના લોકો ભેગા થયા હતા અને તેના માટે કામ કર્યું હતું. મંદિરના ઉદ્ઘાટનના દિવસે એક હરિજન પરિવારે પૂજા કરી હોવાથી, ઉપાધ્યાય પરિવાર આનાથી નારાજ છે. ઓમકારેશ્વર મહાદેવ મંદિર ફાઉન્ડેશનના પ્રમુખ મિથિલેશ સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે પીડિત વારંવાર મંદિરમાં આવે છે અને સ્વૈચ્છિક સેવા પણ કરે છે. આ સંદર્ભમાં ઉપાધ્યાય પરિવાર વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જોકે,IE રિપોર્ટ અનુસાર પરિવારના વડા ઓમકારેશ્વર ઉપાધ્યાયે દાવો કર્યો હતો કે ફરિયાદી દ્વારા મૂકવામાં આવેલા આરોપોમાં પરિવારના બધા સભ્યો નિર્દોષ છે. આ વિવાદ વાસ્તવમાં પાર્કિંગના મુદ્દાને કારણે થયો હતો. ઉપાધ્યાયે કહ્યું કે, મારા પરિવારમાંથી કોઈએ પણ તેમના વિરૂદ્ધ જાતિવાદી શબ્દોનો ઉપયોગ કર્યો નથી. અમારા દાવાઓને સમર્થન આપવા માટે અમારી પાસે વીડિઓ પુરાવા છે. જ્યારે પોલીસ અમને બોલાવશે, ત્યારે અમે તે રજૂ કરીશું.
Leave A Reply